Education Gujarati
Education Gujarati Join Our Telegram Channel
Join
Follow To WhatsApp Channel. Education Gujarati

Search Suggest

મનોવિજ્ઞાન - Psychology

મનોવિજ્ઞાન : સંકલ્પના

      મનોવિજ્ઞાન શરૂઆતથી જ એક અલાયદી વિદ્યાશાખા તરીકે ઓળખ પામ્યું હોય તેવું નથી. મનોવિજ્ઞાનનો પ્રારંભ તત્ત્વજ્ઞાનની છત્રછાયામાં "માનસિક દર્શનશાસ્ત્ર (Mental Philosophy)" ના રૂપમાં થયો અને કાળક્રમે તે વિકસતું ગયું. જેમ જેમ તે વિકસતું ગયું તેમ તેમ તે તત્ત્વજ્ઞાનની છત્રછાયામાંથી બહાર નીકળતું ગયું અને વૈજ્ઞાનિકરૂપ ધારણ કરતું ગયું અને છેવટે એક અલગ વિદ્યાશાખા સ્વરૂપે તેનો સ્વીકાર થયો. માટે મનોવિજ્ઞાનની સંકલ્પના સમજવા આપણે વિવિધ સમયે મનોવિજ્ઞાનનાં અર્થમાં આવતાં પરિવર્તનોને તપાસવા જોઈએ. મનોવિજ્ઞાનના અર્થમાં સમયાંતરે થયેલ પરિવર્તનનું એક કારણ આપણને તેના માટે વપરાતા અંગ્રેજી શબ્દ 'Psychology' નો પરિચય મેળવાથી થશે. 

      Psychology શબ્દ મૂળભૂત રીતે ગ્રીક ભાષામાં વપરાતા બે શબ્દો 'Psycho (સાઇકી)” અને ‘Logos (લોગો)ના જોડણથી બનેલો છે, જેમાં લોગોસનો અર્થ થાય છે અભ્યાસ હૈ વિજ્ઞાન અને સાઇઠીનો અર્થ જુદા જુદા સમયે જુદા જુદા લોકોએ આત્મા, મન વગેરે કર્યાં. પરિણામ સ્વરૂપ મનોવિજ્ઞાનનો ખ્યાલ બદલાતો રહ્યો. મનોવિજ્ઞાનના ખ્યાલમાં આવેલ આ પરિવર્તનોને મુખ્યત્વે ચાર તબક્કાઓમાં વહેંચી શકાય.

1. પહેલો તબ્બકો (આત્મા) :

      જ્યારે મનોવિજ્ઞાન તત્ત્વજ્ઞાનની છત્રછાયામાં હતું ત્યારે તેને આત્મા (soul) નો અભ્યાસ કરનારું શાસ્ત્ર (study of soul) ગણવામાં આવ્યું હતું. તે સમયે માનવ જાવનના ચાલક બળ તરીકે આત્માનો સ્વીકાર કરી મનોવિજ્ઞાનમાં આત્માનો અભ્યાસ થતો હતો. પરંતુ સમય જતાં તેની સામે સવાલો ઉઠવા લાગ્યાં કે, આત્મા શું છે? ક્યા છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે. આ પ્રશ્નોના ઉત્તર ન મળતા મનોવિજ્ઞાનનો અભ્યાસ કરનારાં લોકો મનોવિજ્ઞાનનો બીજો અર્થ શોધવા લાગ્યાં.


2. બીજો તબક્કો (મન) :

      મનોવિજ્ઞાન એટલે આત્માનો અભ્યાસ કરતું વિજ્ઞાન' આ અર્થ સામે પ્રશ્નો ઉપસ્થિત થતા મનોવિજ્ઞાનીઓએ મનોવિજ્ઞાનનો નવો અર્થ આપ્યો. મનોવિજ્ઞાન એટલે મનનો અભ્યાસ કરતું વિજ્ઞાન(study of mind) વળી આ અર્થ મનોવિજ્ઞાનની સંધિ છૂટી પાડતા મળતા શબ્દો મન + વિજ્ઞાન સાથે સુમેળ ખાતો હોવાથી તેની બોલબાલા લાંબા સમય સુધી ચાલી. તેમ છતાં તેની સામે પણ એવાં જ પ્રશ્નો ઉપસ્થિત થયા કે મન શું છે? શું કોઈએ મન જોયું છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે વગેરે. વળી મનોવિજ્ઞાનીઓ મનોવિજ્ઞાનના નવા અર્થની શોધમાં નીકળી પડ્યા.

3. ત્રીજો તબક્કો (ચેતના)

      આત્મા અને મન મનોવિજ્ઞાનનો સાચો અર્થ ન સમજાવી શક્યા એટલે તત્કાલીન મનોવિજ્ઞાનીઓએ ચેતનાના વિજ્ઞાન (science of consciousness) કે ચેતન વ્યવહારનો અભ્યાસ કરતા વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનને સ્વીકાર્યું. આ અર્થ આપનારા સૌ પ્રથમ મનોવિજ્ઞાની વિલિયમ જેમ્સ (1890) હતા. તેમણે તેમના પુસ્તક ‘મનોવિજ્ઞાનના સિદ્ધાંતો (Principles of Psychology)’માં વર્ણવ્યા મુજબ ‘મનોવિજ્ઞાન એટલે ચેતન અવસ્થાને એ જ રૂપમાં વ્યાખ્યાયિત કરવું અને તેનું વર્ણન ક૨વું.’ પરંતુ આ વ્યાખ્યામાં રહેલી ખામીઓને કારણે તેની સામે પણ સવાલો ઉઠવા લાગ્યાં. જેમ કે, આ વ્યાખ્યામાં માત્ર ચેતન વ્યવહારની જ વાત આવે છે તો અર્ધ ચેતન અને અચેતન વ્યવહારોનું શું? જેના જવાબો કોઈની પાસે ન હતા અને માટે મનોવિજ્ઞાનનો ચેતના આધારિત અર્થ પણ પડતો મૂકવામાં આવ્યો.

4. ચોથો તબક્કો (વર્તન)

      ઓગણીસમી સદીનાં પહેલા દસકામાં જ મનોવિજ્ઞાન પર તત્ત્વજ્ઞાનની પકડ સાવ છૂટી ગઈ અને તેના સ્થાને વિજ્ઞાને પોતાની પકડ જમાવી. આમ તો આ કાર્યની શરૂઆત વુન્ડ દ્વારા જર્મનીના લીપઝીંગ શહેરમાં ઈ.સ. 1879માં વિશ્વની સૌ પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપનાથી જ ગણી શકાય. ફળસ્વરૂપ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન (science of behaviour) એવી સંકલ્પના જોર પકડવા લાગી. હાલમાં મનોવિજ્ઞાનની સંકલ્પના ચોથા તબક્કાને અનુરૂપ સ્વીકારીને વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરતા વિજ્ઞાનસ્વરૂપે પ્રચલિત છે.
      આ ચારેય તબક્કાઓને એક વાક્યમાં વર્ણવતા વુડવર્થ (1945) નોંધે છે, "સૌ પ્રથમ મનોવિજ્ઞાને પોતાની આત્માનો ત્યાગ કર્યો, ત્યારબાદ મન અને ચેતના ખોઈ. હવે તેની પાસે બચ્યું છે એક માત્ર વર્તન."

મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ

  • "મનોવિજ્ઞાન એ મનુષ્ય અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે." – મોર્ગન અને કિંગ
  • "મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે." - વૂડવર્થ 
  • "મનોવિજ્ઞાન વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે." - ઍન. ઍલ. મન
  • "મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે." - જે. બી. વૉટસન
  • ''મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યકત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે." - એસ.ઈ. ગેરેટ
  • મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે." - હિલગાર્ડ એટકિન્સન
  • "પર્યાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન." - જે. બી. વોટ્સન

મનોવિજ્ઞાનનું સ્વરૂપ :

      મનોવિજ્ઞાનના ખ્યાલનો વિકાસ થતા થતા તેને વર્તનનું વિજ્ઞાન સ્વીકારી લેવામાં આવ્યું છે. એટલે આમ જોઈએ તો મનોવિજ્ઞાનનું સ્વરૂપ વિજ્ઞાનમય છે. એટલે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે માન્યતા કયા કારણો આધારોથી મળી તે જોઈને તો આપો-આપ તેના સ્વરૂપ વિશે ખ્યાલ આવી જશે.
  • મનોવિજ્ઞાનમાં અભ્યાસની રીત વિજ્ઞાનમાં અભ્યાસની રીત જેવી જ હોય છે. એટલે કે ક્રમિક અને આયોજનબદ્ધ 
  • મનોવિજ્ઞાનમાં વર્તનલક્ષી તથ્યો જાણવામાં આવે છે, જ્યારે વિજ્ઞાનમાં પણ સત્યની શોધ હોય છે.
  • વિજ્ઞાનમાં સિદ્ધાંતોની રચના થાય છે તેમ મનોવિજ્ઞાનમાં પણ સિદ્ધાંતોની રચના અને આલોચના થાય છે.
  • મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓમાં અવલોકન, નિરીક્ષણ, પરીક્ષણ અને પ્રયોગનો સમાવેશ થાય છે.
  • વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક એમ બે પ્રકારે જ્ઞાન હોય છે તથા તેના જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે. તેવી જ રીતે મનોવિજ્ઞાનમાં પણ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન હોય છે અને તેનો પણ વ્યવહારમાં વિનિયોગ થતો હોય છે.

મનોવિજ્ઞાનની શાખાઓ

      અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશને મનોવિજ્ઞાનના 36 વિભાગો (શાખાઓ) ગણાવ્યાં છે. તે પૈકીની કેટલીક મુખ્ય શાખાઓ નીચે પ્રમાણે છે. 

1. સામાન્ય મનોવિજ્ઞાન (General Psychology) : 
      જે મનોવિજ્ઞાનમાંથી મનોવિજ્ઞાનની આ વિવિધ શાખાઓ વિક્સી છે તે સામાન્ય મનોવિજ્ઞાન છે. સામાન્ય મનોવિજ્ઞાન માનવ વર્તનનાં વિવિધ પાસાંઓનો અભ્યાસ કરી તેમાંથી તથ્યો, સામાન્યીકરણો અને સિદ્ધાંતો તારવે છે. મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ સામાન્ય મનોવિજ્ઞાનનાં તારણોને ચકાસીને, પોતપોતાના ક્ષેત્રમાં તેને વ્યાવહારિક ઉપયોગમાં લે છે. સામાન્ય મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનરૂપી વૃક્ષનું થડ છે, જ્યારે મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ એ તેની ડાળીઓ (Branches) છે.

2. ચિકિત્સા મનોવિજ્ઞાન (clinical Psychology) : 
      કેટલાક મનોવૈજ્ઞાનિક પરિબળોની અસરથી વ્યક્તિ માનસિક રોગોનો ભોગ બને છે. આથી તેની સમાયોજનની સમસ્યાઓ ઊભી થાય છે. જેઓ પોતાની આ સમસ્યાઓ જાતે હલ ન કરી શકે તેમને માર્ગદર્શન આપવાનો અને જરૂર પડયે તેમની મનોચિકિત્સા કરવાનો માર્ગ ચિકિત્સા મનોવિજ્ઞાન શોધે છે અને સૂચવે છે. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક મનોરોગનું નિદાન કરવું, તેની ચિકિત્સા સૂચવવી, ચિકિત્સા મનોવિજ્ઞાનમાં સંશોધનો કરવાં તથા ચિકિત્સા મનોવૈજ્ઞાનિકોને તાલીમ આપવાનું કામ કરે છે.

3. શૈક્ષણિક મનોવિજ્ઞાન (Educational Psychology) : 
      મનોવિજ્ઞાનનાં તથ્યો અને સિદ્ધાંતોની શિક્ષણકાર્યમાં ઉપયોગ કરતી શાખા એટલે શૈક્ષણિક મનોવિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન અધ્યેતાના વૃદ્ધિ અને વિકાસ, તેમની વચ્ચેના વ્યક્તિગત તફાવતો, શિક્ષણના સિદ્ધાંતો, વ્યક્તિત્વ વિકાસ, અનુકૂલન, અપવાદરૂપ બાળકોનું શિક્ષણ વગેરે જેવી બાબતો પર સંશોધન કરી તેનો વ્યાવહારિક ઉપયોગ સૂચવે છે. કોઈ પણ શિક્ષક શૈક્ષણિક મનોવિજ્ઞાનના જ્ઞાન વગર સારો શિક્ષક ન જ થઈ શકે. શૈક્ષલિક મનોવિજ્ઞાન શિક્ષકને કક્ષા અનુસાર શિક્ષણ, વ્યક્તિગત તફાવતોને અનુરૂપ શિક્ષણ, વર્ગશિક્ષણની સમસ્યાઓના ઉકેલ વિદ્યાર્થીઓના અનુકૂલનના પ્રશ્નો, માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને અન્ય અનેક બાબતોમાં દોરવણી પૂરી પાડે છે.

4. સલાહ મનોવિજ્ઞાન (Counselling Psychology) : 
      સલાહ મનોવિજ્ઞાન વ્યક્તિને શૈક્ષણિક, વ્યાવસાયિક અને વૈયક્તિક માર્ગદર્શન તથા સલાહ શા માટે જરૂરી છે, તે કેવી રીતે આપવા વગેરેના માર્ગો સૂચવે છે સલાહ મનોવિજ્ઞાન સલાહ મનોવૈજ્ઞાનિકને વ્યક્તિ સાથે વાતચીત કેવી રીતે કરવી, વ્યક્તિના પ્રશ્નો, મૂલ્યો અને સમાયોજનની તરાહનો અંદાજ કેવી રીતે મેળવવો, પોતાનો અભિપ્રાય સામેની વ્યક્તિ પર લાદયા વગર તેને સમજાવટ, સલાહ-સૂચન અને માર્ગદર્શન કેવી રીતે આપવા તેની વિવિધ પ્રયુક્તિઓ અંગે દિશાસૂચન કરે છે.

5. ઔદ્યોગિક મનોવિજ્ઞાન (Industrial Psychology) : 
      ઉદ્યોગોના ક્ષેત્રમાં જોવા મળતાં કર્મચારીઓ અને સંચાલકોનાં વર્તન તથા તેમની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાનની શાખા એટલે ઔદ્યોગિક મનોવિજ્ઞાન. તે કર્મચારીઓની પસંદગી માટેની મનોવૈજ્ઞાનિક કસોટીઓ તૈયાર કરી ઉત્પાદન વૃદ્ધિની રીતો સૂચવે છે, તે કામના સ્થળની ભૌતિક પરિસ્થિતિની કર્મચારીઓની કાર્યક્ષમતા અને મનોધર્ય પર થતી અસરો, કર્મચારીઓનો કાર્યસંતોષ, કાર્યવિશ્લેષણ,વ્યાવસાયિકઅભિરુચિ અને અભિયોગ્યતાની કસોટીઓ, કર્મચારીઓનાં કામ પ્રત્યેનાં વલણો, જરૂરિયાતો, અપેક્ષાઓ, માનવસંબંધો, સંદેશાવ્યવહાર વગેરેને લગતાં સંશોધનો કરી, તેમના નિષ્કર્ષનો ઉપયોગ કરી ઉદ્યોગના ક્ષેત્રને વધુ કાર્યદક્ષ બનાવવાના રસ્તા (માર્ગો) વિચારે છે.

6. સમાજલક્ષી મનોવિજ્ઞાન (Social Psychology) : 
      તે મનુષ્યના સામાજિક વર્તન તથા અનુભવનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરે છે. તે વ્યક્તિના વર્તનના સામાજિક પાસાંની ચર્ચા કરે છે. વ્યક્તિ-વ્યક્તિ, વ્યક્તિ-જૂથ અને જૂથ-જૂથ વચ્ચે થતી સામાજિક આંતરક્રિયાનો તે મનોવૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે. જૂથવર્તન, સૂચનશીલતા, પ્રભાવિત થવું ઉપરાંત કુટુંબ, પડોશ, જ્ઞાતિ, સમાજ વગેરેમાં સંઘર્ષ અને સહકાર, પૂર્વગ્રહો, મનોવલણોનું ઘડતર, સામાજિક અંતર, સામાજિકીકરણ વગેરે જેવાં વ્યક્તિના વર્તનના સામાજિક પાસાંનું અવલોકન, વર્ણન, આગહી, નિયંત્રણ વગેરે કરવાના માર્ગો તે નિર્દેશ છે.

7. શારીરિક મનોવિજ્ઞાન (Physiological Psychology) : 
      વર્તનના શારીરિક આધારની વિશદ્ સમજૂતી મેળવવા માટે થયેલાં સંશોધનોને પરિણામે શારીરિક મનોવિજ્ઞાનની આ શાખા અસ્તિત્વમાં આવી છે. શરીરના કાર્યો, ચેતાતંત્રની પ્રક્રિયાઓ વગેરેનો વ્યક્તિના મનોવ્યાપારી તથા વર્તન સાથે શો સંબંધ છે તે શોધવાના પ્રયત્નથી આ શાખાનો પ્રારંભ થયો હતો. શરીરના અંગ-અવયવો મળી વ્યક્તિના વર્તનરૂપી પ્રવૃત્તિની જે ભાત વિકસે છે તેને સમજવાનો પ્રયત્ન આ શાખા કરે છે. આમ, આ શાખામાં વર્તનના જૈવ-શારીરિક પાસાંનો અભ્યાસ કરવામાં આવે છે. આ શાખામાં મજ્જાતંત્ર, હાયપોથેલસ, મગજ, ગ્રંથિઓનાં કાર્ય પ્રેરણાના શારીરિક આધારો, આવેગમાં કેન્દ્રવર્તી મજ્જાતંત્રની ભૂમિકા, શિક્ષણ પ્રક્રિયાના શારીરિક સહગામીઓ, વિચારણા અને સ્નાયુતંત્ર, બુદ્ધિ, સ્મૃતિ વગેરેના શારીરિક આધારો, દવાઓની વ્યક્તિત્વ પર અસર વગેરે બાબતોનો વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરવામાં આવે છે.

8. પ્રાણી મનોવિજ્ઞાન (Animal Psychology) :
      પ્રાણી મનોવિજ્ઞાન પ્રાણીઓના સ્વાભાવિક તથા વિશિષ્ટ સંજોગોમાંના વર્તનનો અભ્યાસ કરે છે. ઉત્ક્રાંતિના સિદ્ધાંતે સાબિત કર્યું કે પ્રાણીઓમાંથી ઉત્ક્રાંત થયેલ માણસનું અમુક પ્રકારે પ્રાણીઓ સાથે સામ્ય હોય જ આથી પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરવાનું જરૂરી બની ગયું. મનુષ્યની જેમ પ્રાણી વર્તન પણ ધ્યેયલક્ષી હોય છે. પ્રાણીવર્તન અને માનવ વર્તનની તુલના દ્વારા મનુષ્ય વર્તનને સારી રીતે સમજવાની ચાવી મળે છે. પ્રાણીઓના નિયંત્રિત વર્તનના અભ્યાસ દ્વારા મનુષ્યના વર્તનને સમજી શકાય છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં શિક્ષણ સિદ્ધાંતોની તારવણી પણ પ્રાણી વર્તનના અભ્યાસોના નિષ્કર્ષ પરથી કરાઈ છે. મનોવિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિની સફળતા પણ પ્રાણી વર્તનના અભ્યાસને આધારે જ સિદ્ધ થઈ છે. આમ પ્રાણી મૌવિજ્ઞાન અન્ય મનોવિજ્ઞાનના વિકાસ માટેની આધારશિલા રૂપ છે.

9. પ્રાયોગિક મનોવિજ્ઞાન (Experimental Psychology) : 
      ઈ.સ. 1879માં જર્મનીમાં વિલ્હેમ વૂન્ડઝે સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી ત્યારથી મનોવિજ્ઞાનમાં પ્રાયોગિક અભ્યાસો શરૂ થયા અને મનોવિજ્ઞાનની એક નવી જ શાખા ‘પ્રાયોગિક મનોવિજ્ઞાન'નો ઉદભવ થયો. આથી, વસ્તુલક્ષી દ્રષ્ટિબિંદુ અને વૈજ્ઞાનિક વલણ સુર્દઢ થયાં. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં લાગણી, સંવેદનો, પ્રતિક્રિયા સમય, સ્મરણ આલેખ વગેરેનો પ્રાયોગિક રીતે અભ્યાસ કરી તારણો મેળવાય છે. સ્ટેન્લી હોલ, વુલફ, કેરલ, એન્જલ, મુનસ્ટરબર્ગ, એબીંગ હોસ વગેરે જાણીતાં પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો છે. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં વર્તનના અભ્યાસ માટે નવાં ઉપકરણો, સાધનો, પદ્ધતિઓ વગેરેના વિકાસનો અભ્યાસ કરવામાં આવે છે. નવી નવી પ્રયોગ ડિઝાઈનો ચકાસવામાં આવે છે. ટૂંકમાં, મનોવિજ્ઞાનને સાચા અર્થમાં વિજ્ઞાન તરીકે વિકસાવવામાં પ્રાોગિક મનોવિજ્ઞાનનો અપૂર્વ ફાળો છે.

10. બાળ મનોવિજ્ઞાન (Child Psychology) :
      મનોવિજ્ઞાનની દષ્ટિને વ્યક્તિની બાલ્યાવસ્થાનો ગાળો એ તેના જીવન ઘડતરના પાયારૂપ છે. બાળપણના અનુભવો, ઉછેર, ટેવો વગેરે વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસની પાયાની ઈંટ સમાન છે. વ્યક્તિના શિશુ અવસ્થાના વિકાસનાં લક્ષો, તેની જરૂરિયાતો, વિકાસ કાર્યો, વિકાસના અવરોધકો, અનુકૂલનના પ્રશ્નો, હતાશા, વર્તનદોષો, બાળકોને માર્ગદર્શન વગેરે જેવાં અનેક પ્રશ્નોનો અભ્યાસ બાળ મનોવિજ્ઞાન કરે છે અને બાળકના સ્વસ્થ અને તંદુરસ્ત ઘડતરમાં આનુવંશિકતા અને વાતાવરણના ફાળાની સમજ આપે છે. બાળકો, તેમના મા-બાપો અને શિક્ષકોને મૂંઝવતા બાળવર્તનના પ્રશ્નોનાં મનોવૈજ્ઞાનિક કારણો શોધી તેના નિવારણ માટેના ઉપાયો શોધવાનું મહત્ત્વનું કાર્ય બાળ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. બાલ્યાવસ્થા એ મનોવિકાસની એક અવસ્થા છે. આમ, બાળ મનોવિજ્ઞાન એ વિકાસાત્મક મનોવિજ્ઞાન Developmental Psychology નો પ્રારંભિક ભાગ ગણાય છે. બાલમંદિર, નર્સરી, પ્રાથમિક શાળાના શરૂઆતના વર્ષોમાં બાળકના ઉછેર, વિકાસ અને શિક્ષણ સાથે સંકળાયેલ સૌને ઉપયોગી થવાનું બાળ મનોવિજ્ઞાનના અભ્યાસનું ધ્યેય છે.

11. અપરાધ મનોવિજ્ઞાન (Crime Psychology) : 
      મનોવિજ્ઞાનની આ શાખામાં અપરાધીના અપરાધ કરવાના મૂળ રૂપ કારણોની જાણકારી મેળવી તેમના વ્યવહારમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરાંત વ્યક્તિની પ્રેમનોદશા અને વર્તનનો અભ્યાસ કરી અપરાધીની ઓળખ કરવા જેવાં કાર્યો પણ આ શાખા કરે છે.

12. વિકાસાત્મક મનોવિજ્ઞાન (Development Psychology) : 
      ગર્ભાધાનથી શરૂ કરી વૃદ્ધાવસ્થા સુધી વ્યક્તિના વૃદ્ધિ અને વિકાસના દરેક તબક્કાનો ક્રમબદ્ધ અભ્યાસ કરવાનું કાર્ય આ શાખામાં થાય છે. વ્યક્તિ પોતાના જીવનની કોઈ ચોક્કસ અવસ્થાએ કેવા પ્રકારના વર્તનો દર્શાવે છે, તેના વિશે સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું તે આ શાખાનું પ્રમુખ ધ્યેય છે.

13. સામુદાયિક મનોવિજ્ઞાન (Communal Psychology) : 
      દરેક સમુદાયનું પોતાનું આગવું મનોવિજ્ઞાન હોય છે. ચોક્કસ સમુદાયના લોકો ચોક્કસ પ્રકારના વ્યવહારો કરતા હોય છે. સામુદાયિક મનોવિજ્ઞાન એ લોકોનું સમુદાયના સંદર્ભે વર્તન જાણવામાં મદદરૂપ બને છે તથા જે તે સમુદાયના વિકાસ માટેના ઉકેલો સૂચવવાનું કામ કરે છે. ખાસ કરીને સામાજિક કાર્યકર્તાઓ અને સમાજશાસ્ત્રીઓ આ મનોવિજ્ઞાનનો વધુ ઉપયોગ કરે છે.

14. વ્યક્તિગત મનોવિજ્ઞાન (individual Psychology) : 
      આ શાખામાં વ્યક્તિઓની વ્યક્તિગત ભિન્નતાઓનો અભ્યાસ થાય છે. તે તુથી દરેક વ્યક્તિ અનન્ય ગણી તેની લાક્ષણિકતાઓ અને તેના ઉદ્દભવ તથા વિકાસનો અભ્યાસ કરવામાં આવે છે.

      આ ઉપરાંત મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ જેમ જેમ વિવિધ ક્ષેત્રોમાં થતો ગયો તેમ તેમ મનોવિજ્ઞાનની અનેક આધુનિક શાખાઓ જેવી કે, પરા મનોવિજ્ઞાન, સંજ્ઞાનાત્મક મનોવિજ્ઞાન, સૈન્ય મનોવિજ્ઞાન, કાનૂન મનોવિજ્ઞાન, રાજનીતિક મનોવિજ્ઞાન, રમતનું મનોવિજ્ઞાન, સુધારાત્મક મનોવિજ્ઞાન, અન્તરિક્ષ મનોવિજ્ઞાન, ઉપભોક્તા મનોવિજ્ઞાન, સંગઠન અને સંચાલનનું મનોવિજ્ઞાન વગેરે ઉદ્દભવી છે. આ પુસ્તકનો હેતુ અને સ્થળ અવકાશ ધ્યાને લઇ અહીં તે દરેકની સમજ આપવાનું અવગણ્યું છે. બીજું એ પણ યાદ રાખવા જેવું છે કે આ વર્ગીકરણ મનોવિજ્ઞાનના અભ્યાસના વિકાસને લઈને થયેલું કે ખરેખર તો મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓ એક બીજામાં ભળેલી છે. ઉદાહરણ તરીકે, શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં સામુદાયિક મનોવિજ્ઞાન આપોઆપ સમાવિષ્ટ છે કારણ કે, ઔપચારિક શિક્ષણ વ્યવસ્થા એક સામૂહિક પ્રક્રિયા છે. આમ, મનોવિજ્ઞાનની વિવિધ શાખાઓમાં તેમનું વિષયવસ્તુ, તેમની અભ્યાસની પદ્ધતિઓ વગેરેમાં સમાનતા જોવા મળે છે.

Post a Comment

Please do not enter any spam link in the comment box.